સ્વ.શ્રી ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલના વિશે

Published: October 06 2017
 
જન્મ.તા.:-૦૭/૦૨/૧૯૨૬
સ્વ.તા:- ૦૬/૧૦/૧૯૯૫

૧૯૬૩ થી ૧૯૭૫ પ્રમુખશ્રી,તાલુકા પંચાયત(હાંસોટ)
૧૯૭૫ થી ૧૯૮૦ ધારાસભ્યશ્રી(અંકલેશ્વર/હાંસોટ) વિધાનસભા મતવિસ્તાર
૧૯૮૦ થી ૧૯૮૫ પ્રમુખશ્રી,તાલુકા પંચાયત(હાંસોટ)
૧૯૯૦ થી ૧૯૯૫ ધારાસભ્યશ્રી(અંકલેશ્વર/હાંસોટ) વિધાનસભા મતવિસ્તાર

સ્વર્ગસ્થ ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલ આજે સદેહે આપણી સમક્ષ હાજર નથી ત્યારે માં સરસ્વતીની વંદના કરીએ.

શ્રી સરસ્વતી સ્તોત્રમમાં રજૂ થયેલ સરસ્વતી માતાની વંદના કરતા કહેવામાં આવ્યું છે કે

એ આદ્ય પરમેશ્વરી ભગવતી સરસ્વતીની અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનાને અંતે એક વાત યાદ આવે છે કે ચાર પ્રકારના પુત્રો હોય છે. પાછલા જ્ન્મનો લેણદાર તમારો પુત્ર થઈને આવી શકે છે, બીજો પાછલા જન્મનો વેરી પણ તમારો પુત્ર થઈને આવે છે. ત્રીજો પુત્ર હોય છે ઉદાસીન, એટલે કે ન વેરી ન મિત્ર. અને ચોથો પ્રકાર સેવક પુત્ર. પાછલા જન્મમાં તમે કોઈની સેવા કરી અને એજ તમારો પુત્ર થઈને આવી જાય છે. આવો પુત્ર સેવક બનીને સુખ આપે છે.

હાંસોટ તાલુકાના કુડાદરા ગામે શ્રી ગુમાનભાઈ ગણેશભાઈ પટેલના પરિવારમાં ઠાકોરભાઈ નામનો પુત્ર સેવક તરીકે જન્મ્યો. સાત ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. બાળપણથી જ ગામના અને તાલુકાના સેવા કાર્યોમાં કાર્યરત રહયાં.

કોઈ અપરાધ કરે તો પણ તેને સાંભળે, કહેવા જેવી કડવી વાત રૂબરૂમાં જ કહીને તેને સત્યની પ્રતીતિ કરાવનારા અને સત્યને પીછાણનારા ઠાકોરભાઈ ૧૯૭૫માં ધારાસભ્ય તરીકે સૌ પ્રથમવાર ચૂંટાયા. પાંચ વર્ષની ટર્મ પુરી કરી. ધારાસભ્ય તરીકે વ્યક્તિગત સામાજિક કામોની સાથે સામુહિક વિકાસના અનેકવિધ કામો કર્યા. ૧૯૯૦ માં બીજીવાર ધારાસભ્ય તરીકે ચુંટાયા અને બીજા ૫ વર્ષ સુધી લોકસેવાના કામો કર્યા.

રમુજી સ્વભાવે કહેવા જેવું કહી દેતા. ગમે તેવા મોટા ગજાના કે હોદ્દેદાર વ્યક્તિને પણ સાચું કહેવામાં ક્યારેય પાછા પડ્યા નથી. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ્યની સ્થાપના થઈ ત્યારે તાલુકાના લોકલબોર્ડના પ્રતિનિધિ તરીકે પસંદગી પામ્યા. કુડાદરા ગ્રામપંચાયતના સૌ પ્રથમ સરપંચ બની સેવા કરનાર ઠાકોરભાઈએ ઈતિહાસ સર્જી દીધો છે, એમ કહીએ તો ખોટું નથી. સાચા,નિ:સ્વાર્થ અને નીડર નેતા તરીકેની એમની છાપ સમાજમાં વધતી ગઈ.

ભારતના નકશા પર ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે તા.૧-૪-૬૩માં પસંદગી પામ્યા. દિનપ્રતિદિન સેવાનો વિસ્તાર વધતો જ રહ્યો. તા.૧-૪-૬૩ થી તા.૧-૪-૭૨ સુધી વળી તા.૨૧-૩-૭૨ થી તા.૨-૯-૭૪ સુધી અને તા.૨૪-૨-૮૧ થી તા.૨૩-૨-૮૭ સુધી તેમણે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કાંઈ કામગીરી કરી છે, તે હાંસોટ તાલુકાના ‘વિકાસરત્ન’ સમાન ગણી શકાય.

ઈશ્વરના ગુપ્ત રહસ્યોનો ખજાનો એટલે ઠાકોરભાઈ, એમણે હાંસોટ તાલુકા ખેતી વિકાસના પ્રમુખ તરીકે, ઘી યશવંતરાય જોષી ગુ.કો-ઓ.પ્રો.પ્રો. એન્ડ મા.સો.લી, હાંસોટના ચેરમેન તરીકે વર્ષો સુધી સેવા આપી તથા રોહીદ ગૃ.વિ.કા.સ.જો.મ ના પ્રમુખ તરીકે ગુજરાત જમીન વિકાસ બેંક, ભરૂચ-હાંસોટના પ્રમુખ તરીકે, હાંસોટ તાલુકા ખેડૂત મંડળના પ્રમુખ તરીકે, હાંસોટ-અંકલેશ્વર તાલુકાના માર્કેટીંગ યાર્ડમાં ભરૂચ જીલ્લા પંચાયતના તાલુકા પ્રતિનિધિ તરીકે તેમજ એવી જ અનેક સામાજીક, સહકારી સંસ્થાઓ, બેંકો જેવી સંસ્થાઓમાં ઉચ્ચ કક્ષાના હોદ્દા ઉપર રહીને એમની જીંદગીની પળેપળ પરહિત કાજે ખર્ચી છે, જેના આપણે સૌ સાક્ષી છીએ.

રાજકારણમાં જે પક્ષમાં રહ્યાં ત્યાં નિષ્ઠા અને નીડરતાથી પક્ષને વફાદાર રહી શિસ્તબધ્ધ સૈનિક તરીકે જબરદસ્ત લોકચાહના મેળવનાર ઠાકોરભાઈએ ગુજરાતના નકશા પર હાંસોટનો દિપ પ્રગટાવી જલતો રાખ્યો છે.

માનવ જીવનને નષ્ટ કરનારો સૌથી મોટો શત્રુ ભય છે. ભયને કારણે જ ચારિત્ર્યનું પતન થાય છે. આપણા મનની આશાઓ નાશ પામે છે. બિમારી લાગુ પડી જાય છે. હોઠોનું હાસ્ય છીનવાઈ જાય છે. આ બધી વાત તેઓ સારી પેઠે જાણતા હતા. અને તેથી જ હંમેશા નીડર બનીને જ ઝઝૂમ્યા. વિરોધપક્ષમાં બેસીને પણ લોકહિતના કામો આસાનીથી કરાવી લાવનાર ઠાકોરભાઈ હાંસોટ-અંકલેશ્વર તાલુકાની એક નિર્ભિક વ્યક્તિ હતી. જે ઈતિહાસના પાને અંકિત થઈ ચુકેલી બાબત છે.

ન માની શકો એવી વાત પણ આ પ્રસંગે કહી દેવાનું મન થાય છે. પોતાની મુશ્કેલીની વાત કોઈ આવીને ઠાકોરભાઈને કહે તો એકીટશે જોયા કરે, સાંભળ્યા કરે. વકતાનું સત્યાસત્ય પામી લે ને જાણે, ઠાકોરભાઈનું હૈયું મીણની માફક ઓગળવા લાગે ને પછી મોકળા મનથી અને હસતાં હૈયાથી કશુક આપી આગંતુકને હરખઘેલો બનાવી વિદાય કરે.ભાવનાશીલ, ચારિત્ર્યશીલ, ઉદાર, વીર,નીડર, ઓછાબોલા, સત્યબોલા, નજીકના આત્મજનને પણ કડવી છતાં સત્ય વાત કહેવામાં જરા પણ સંકોચ ન અનુભવનારા સ્પષ્ટવક્તા ઠાકોરભાઈએ હાંસોટ તાલુકાના ખેડૂતોને નજરસમક્ષ રાખી હાંસોટ તાલુકામાં સુગર ફેક્ટરી સ્થાપવામાં ખૂબ જ જહેમત ઉઠાવી છે.

ઇશ્વરને મંજુર હોય છે તે જ ગતિવિઘિ પ્રમાણે બધું થતું હોય છે. સ્વ. શ્રી ઠાકોરભાઈ આપણી વચ્ચે નથી આપણે સૌ એમના અનુરાગી બની એમના આત્માને ચિર શાંતિ મળે એમ અવશ્ય પ્રાર્થીએ છીએ.એમને શ્રધ્ધાંજલિ અર્પવા માટે જન હિતમાં ઘણાં કામો કરવાના બાકી છે, જે પુરા કરવા આપણે સૌ ખભે ખભા મિલાવી તેમના સદગુણોને હ્રદયમાં ઉતારી એકી અવાજે આપણે મથીએ અને સફળતા મેળવીએ તો સદગતના આત્માને શાંતિ મળશે.

પરમેશ્વર આપણ સૌને સદ્દબુઘ્ઘિ આપે. માણસાઇનો દુષ્કાળ દુર કરવો ત્યારે જ શક્ય છે જ્યારે આપણે જાતે જ સારા માણસ બનવા કોશિષ કરીએ.

“ટેકને ખાતર મરી ફીટો”નું ઝનૂન પ્રાપ્ત કરનારા ઠાકોરભાઇ આપણી વચ્ચે નથી. તા. ૬/૧૦/૯૫ રોજ આ ફાની દુનિયા છોડી ગયા છે. ત્યારે આપણા શિરે મહાન જવાબદારી છે. સ્વર્ગસ્થના અધૂરા કામ પુરા કરવાના આપણા અરમાન છે. અરમાન પુરા કરવા હોય, સુખી થવું હોય, સમાજને સુખી કરવો હોય તો એક વાત આપણે યાદ રાખવી પડશે. અને તે એ છે કે જીંદગીમાં સુખી થવાનો માર્ગ ન્યાય લાગણીને વ્યાપક ક્ષમાભાવનાથી ધોઇ નાખવાનો છે. “માનવ સબંઘોની ગૂંથણી એટલી નાજુક છે કે અન્યાયનું ચક્ર ચાલ્યા જ કરે છે. ક્ષમા ભાવનાથી અન્યાયને ઘોઇ નાખવાનો. અન્યાયને મનમાં જેમ જેમ વધુને વધુ ઘૂંટાશે તેમ તેમ વઘુ કડવાશ પેદા થશે.

લવલેશ ચિંતા ના કરો. પ્રભુ હંમેશા સારું કરશે સ્વ. ઠાકોરભાઇના સદગુણો આપણામાં ઊતરે અને એમણે બતાવેલા પથ પર ચાલવાની શક્તિ આપણને પ્રભુ આપે એવી પ્રાર્થના, સદગતના આત્માને પરમ શાંતિ મળે એવી હ્રદયપુર્વકની પ્રાર્થના સાથે.....

માનનીય શ્રી મનવંતરાય યશવંતરાય જોષીના વરદ હસ્તે આ સ્મૃતિપુષ્પ સ્વ. ઠાકોરભાઇને સમર્પિત કરીએ છીએ....