અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત

Published: October 14 2019

MSME ક્ષેત્ર રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

રાજ્યમાં MSME એકમોને સ્થાપના માટે જરૂરી મંજુરીઓ લેવામાંથી ત્રણ વર્ષ માટે મુક્તિ

MSME ક્ષેત્ર મહત્તમ રોકાણ માટે રાજ્ય સરકારે નવીન પ્રોત્સાહક પગલા લીધા છે.

અંકલેશ્વર ઔધોગિક વસાહતના સમુચિત વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.

ભરૂચ જિલ્લામાં રૂ.૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે.

ભરૂચમાં આગામી વર્ષે પીપીપી મોડલથી નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે.

અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં ઔધોગિક પ્રદૂષણને નાથવા રૂ.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ત્રણ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત.

જીઆઈડીસીમાં સીનિયર સીટીઝન એક્ટીવીટી સેન્ટરનું સુષ્મા શાંતિ નામકરણ.

રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી ઈશ્વરસિંહ પટેલ, જીઆઈડીસીના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ.

ભરૂચ(સોમવાર):- નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજયના ઔધોગિક વિકાસમાં MSME ક્ષેત્રનું મોટું યોગદાન છે. MSME ક્ષેત્ર ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે રાજયમાં MSME એકમોને સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ લેવામાંથી છૂટછાટ આપવામાં આવી છે એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી આવી પરવાનગીઓ લેવામાંથી મુકિત આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔધોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે MSME એકમો માટે ૧૦ એમ.એલ.ડીના કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, જીઆઇડીસીના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ MSME ઉધોગો માટે એકચેન્જ કન્વેયન્સ પાઇપલાઇન, વેસ્ટ એકચેન્જ સેન્ટરનું પણ ખાતમુહુર્ત કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં રૂા..૨૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સીનીયર સીટીઝન એકટીવીટી સેન્ટરનું “સુષ્મા શાંતિ” સીનીયર સીટીઝન એકટીવીટી સેન્ટર નામકરણ કર્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે મે. સજજન ઇન્ડીયા લી. ધ્વારા રૂા. ૫૧ લાખનો માતબર આર્થિક સહયોગ સાંપડયો છે.

અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં આગામી એક વર્ષમાં આ પ્રોજેકટ કાર્યાન્વિત થતાં ઔધોગિક મુડી રોકાણ વધવા સાથે રોજગારીની વિપુલ તકો સર્જાશે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે રાજયમાં MSME ક્ષેત્રે મહત્તમ રોકાણો આવે તે માટે રાજય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીધાં છે. દેશના નાણાંમંત્રીશ્રીએ નવીન રોકાણ માટે કોર્પોરેટ ટેક્ષ ૩૧ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરી ઔધોગિક રોકાણ ક્ષેત્રે નવીન તકો ઉભી કરી છે જેને પરિણામે રાજયમાં મોટા પાયે ઔધોગિક ક્ષેત્રે રોકાણો થવાના છે જેનો લાભ અંકલેશ્વર વિસ્તારને પણ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પના મુજબ દેશની ઇકોનોમીને પાંચ ટ્રીલીયન સુધી લઇ જવા પર્યાવરણ, આરોગ્યના જતન સંવર્ધન સાથે રાજયમાં ધોલેરા- દહેજ - હજીરા - અંકલેશ્વર - વાપી ઔધોગિક વસાહતોમાં ગ્રીન ટ્રીબ્યુનલની ગાઇડ લાઇન મુજબ નવા ઔધોગિક એકમો આવી રહયા છે.

શ્રી પટેલે ઉમેર્યું કે અંકલેશ્વર એ કેમીકલ અને સંલગ્ન ઉધોગોનું હબ બન્યું છે ત્યારે અંકલેશ્વર ઔધોગિક વસાહતના સમુચિત વિકાસ માટે રાજય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.

શ્રી પટેલે જણાવ્યું કે અમદાવાદ - વડોદરા અને જેતપુરના સાડી ઉધોગના ગંદા પાણીના શુધ્ધિકરણ માટે રાજય સરકારે રૂા. ૨૩૦૦ કરોડની યોજનાને મંજૂરી આપી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં રૂા. ૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે જે અંગેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. ભાડભૂત યોજના આગામી સમયમાં સાકાર થતાં ઉધોગોને જરૂરી પાણી મળી રહેશે એટલું જ નહિ દરિયાની ખારાશ અટકશે અને જમીન ફળદ્રુપ થશે જેને પરિણામે ભરૂચ જિલ્લો વધુ હરિયાળો બનશે.

શ્રી પટેલે ઉમેર્યું કે ભરૂચમાં આગામી વર્ષથી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલથી નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે.

વાપી - સુરત અને અંકલેશ્વરમાં ઔધોગિક ઝોનને ધ્યાને લઇ ભરૂચ - સુરતને જોડતા સમાંતર માર્ગ પણ બનાવવામાં આવશે જેથી ટ્રાફીકની સમસ્યા હળવી થશે. શ્રી પટેલે રાજયમાં મહત્તમ ઉધોગો સ્થપાય, ઔધોગિક મુડી રોકાણ વધે તે માટે રાજય સરકારની પ્રોત્સાહક નીતિઓની વિસ્તૃત ભૂમિકા આપી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીનું વિવિધ ઔદ્યોગિક સંગઠનો - સંસ્થાઓ ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થામાં ઉધોગોનું નોંધપાત્ર યોગદાન રહયું છે. રાજયની ઔધોગિક વસાહતોમાં પ્રદૂષણને નાથવા માટે પર્યાવરણીય માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતમાં ૩૩ ટકા કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. રાજયમાં વધુ ૨૫ પ્લાન્ટના વિસ્તરણની કાર્યવાહી પ્રગતિમાં છે જેને પરિણામે પ્રદૂષણના પ્રશ્નો હળવા બન્યા છે અને પર્યાવરણ જાળવણી માટે અસરકારક કામગીરી કરવામાં આવી છે.

સહકાર રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે ઉધોગોના સમુચિત વિકાસ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. ભરૂચ જિલ્લામાં રાજય સરકાર ધ્વારા હાથ ધરાયેલ પ્રોજેકટની તેમણે વિગતો આપી હતી. અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાનું અદ્યતન સ્પોર્ટસ સંકુલ ઉભુ કરવામાં આવશે. સ્પોર્ટસ સંકુલ માટે જમીન ફાળવવા જીઆઈડીસીમાં દરખાસ્ત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, જીઆઈડીસી ધ્વારા નાના ઉદ્યોગો સ્પર્ધામાં ટકી રહે તેવા પ્રયાસો ધરવા સાથે ઉદ્યોગોને પાયાની અને માળખાગત સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ધ્વારા ૨૧ મી સદી સાથે તાલ મિલાવી ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવા માટે જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તે સરાહનીય છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં ઔદ્યોગિક એકમોને અંદાજે રૂ.૭૦ કરોડ જેટલો ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું. અંકલેશ્વર રમત-ગમત સંકુલ માટે જમીન ફાળવવાની રજૂઆત અન્વયે સકારાત્મક નિર્ણય લેવાશે. શ્રી રાજપૂતે ઉદ્યોગકારોના પડતર પ્રશ્નોના તબક્કાવાર હકારાત્મક ઉકેલ કરાશે એમ જણાવ્યું હતું.

સુષ્મા શાંતિ સીનીયર સીટીઝન એક્ટીવીટી સેન્ટરમાં રૂ.૫૧ લાખનું આર્થિક યોગદાન આપનાર સજ્જન ઈન્ડિયા લી. ના ડાયરેક્ટર પ્રિયંકા અગ્રવાલનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના શ્રી નાવડીયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખશ્રી બળદેવભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. પ્રારંભમાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએસનના પ્રમુખશ્રી મહેશભાઈ પટેલે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં શ્રી હરેશભાઈએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાં, ચીફ એન્જીનિયરશ્રી, અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લી. ના ચેરમેનશ્રી રમેશ ડી. ગબાની, ચેરમેનશ્રી અશોક ચોવટીયા, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએસનના હોદ્દેદારો, સભ્યો, આગેવાન-પદાધિકારીઓ, ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ફોટો ગેલેરી